નરેશ પટેલે રાજકારણમાં જોડાવાનુ હાલ પુરતુ મોકૂફ રાખ્યુ
નરેશ પટેલે ખોડલધામ પોલિટિકલ એકેડમીની જાહેરાત કરી
2022 ચૂંટણીમાં મારી કોઈ મદદ માગશે તો મદદ કરીશઃ નરેશ પટેલ
નરેશ પટેલની રાજકારણમાં જોડાવાને લઇ અનેક અટકળોનો આજે અંત આવ્યો છે, સાથે જ તેમણે સમાજ માટે મોટી જાહેરાત પણ કરી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, ‘રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય હું હાલ પૂરતો મોકૂફ રાખું છું. જો હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો એક જ પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજની ચિંતા ન કરી શકું.નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, ખોડલધામ સંસ્થા વિશ્વસ્તરે પહોંચી છે અને અહીં તમામ સમાજમાં લોકો અહીં આવે છે. જેમનો આભાર માનું છું. મૂળ વાત રાજકારણમાં પ્રવેશવાની છે. કોરોનાકાળમાં લોકોની જેમ મારી પાસે પણ ઘણો સમય હતો. જેમાં સરદાર સાહેબ અને અન્ય સ્વતંત્ર સેનાનીઓને વાંચ્યા ત્યારે મને થયું કે રાજકારણમાં આવીને પણ ઘણી સેવા થઇ શકે. આ મારો વ્યક્તિગત વિચાર હતો. જ્યારે મેં આ વિચાર સમાજ વચ્ચે મૂક્યો ત્યારે લોકોની લાગણી હતી કે, સમાજને પણ આ અંગે પૂછવું જોઇએ. આ અંગે અમે સર્વે પણ કરાવ્યો હતો. આનો રિપોર્ટ એવો છે કે, વડીલો ઘણી ચિંતા કરે છે, બહેનો અને યુવાનો હજી ઇચ્છે છે કે હું રાજકારણમાં આવું. ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે, ખોડલધામના નેજા હેઠળ, પોલિટિકલ એકેડમીની જાહેરાત કરીએ છીએ. આમાં અમે તમામ સમાજના યુવાનોને આવકાર્યે છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, એક પાર્ટી સાથે જોડાવ તો હું ત્યાંનો થઇ જાવ ત્યારે વડીલોની ચિંતા મને યોગ્ય લાગી. ઘણા બધા પ્રકલ્પો જેવાં કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી જે દરેક સમાજને સ્પર્શવાના છે. ત્યારે આવા ખૂબ મોટા પ્રકલ્પો ખોડલધામના બાકી રહ્યાં છે ત્યારે આ પ્રકલ્પોને વેગ આપું, એને આગળ વધારું, ગુજરાતની જનતાને દરેક સમાજને આમાં લાભ મળે એવાં પ્રયત્નો મારી આગેવાની નીચે ખોડલધામ ચાલુ કરશે. આ જે પ્રકલ્પો છે તેને ટૂંક સમયમાં જ રાજકોટ નજીક અમરેલી ગામે ખોડલધામ તેને રોલમોડલ તરીકે આગળ વધારવા માંગે છે.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 2022ની ચૂંટણીમાં મારી જે કોઈ મદદ માંગશે તો હું તેને મદદ કરીશ.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ખોડલધામ ખાતે નરેશ પટેલની મીટીંગ મળી હતી. ખોડલધામનાં ટ્રસ્ટીઓ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથે મિટિંગ મળી હતી. ખોડલધામ ખાતે આવેલ પ્રેસ કોન્ફરન્સ હોલમાં બંધ બારણે મિટિંગ મળી હતી. આ મીટિંગ પત્યા બાદ આજે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી.