અમદાવાદમાં પાટીદાર સંસ્થાના આગેવાનોની બેઠક
લવ મેરેજમાં માતા-પિતાની સંમતિ અંગે કરાઈ ચર્ચા
પરિવારની સંમતિ વિરૂદ્ધ યુવતીઓએ કરેલાં લગ્નો અંગે વિચારણા
અમદાવાદમાં પાટીદાર સંસ્થાના આગેવાનોની બેઠક પૂર્ણ થઇ છે. જેમાં યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતિ જરૂરી રાખવાની ચર્ચા કરવામાં આવી છે. સાથે PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય અને PSI ભરતીના નોટિફિકેશનમાં સેક્શન 16ના ઉલ્લંઘન અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. તદુપરાંત બિનઅનામત વર્ગના ઉમેદવારોને થયેલા અન્યાય અને બિનઅનામત આયોગ અને નિગમના ચેરમેનની વરણી મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. તથા બિનઅનામત આયોગના વહીવટી પ્રશ્નો સવર્ણ સમાજને થઈ રહેલા અન્યાય અને અન્ય ઘણા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. બેઠક બાદ પાટીદાર આગેવાન આર.પી.પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આયોગ અને નિગમ ચેરમેનની નિમણૂંક તાત્કાલિક થવી જોઈએ.
આ સાથે વિદેશ જવા માંગતા બાળકોની લોનમા વધારો થવો જોઈએ અને દિકરી માતા પિતાની મંજૂરી વિના લગ્ન કરે છે, તે બંધ થવું થવું જોઈએ. જો દીકરી લગ્ન કરવા માગે, તો માતા-પિતાની મંજૂરી હોવી જોઈએ વધુમાં તેમણે કહ્યું કે, અનામત આંદોલન સમયે જે કેસ થયા હતા, તે કેસ પરત ખેંચાવવા જોઈએ અને શહીદ પરિવારના સભ્યને પણ સરકારી નોકરી આપવી જોઈએ.
આ ઉપરાંત પાટીદારોને 18 સંસ્થાએ એકજૂટ થઈને ફરી અનામતનો મુદ્દો ઊપાડ્યો છે. જેમાં કહ્યું છે કે, પાટીદાર સમાજની અનામતની માંગણીના અનુસંધાને પાટીદાર સમાજનો સરવે કરાવવાની દિશામાં ઘટતું કરવા અમારી નમ્ર રજૂઆત છે. તેમજ પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા તેમજ આંદોલનના શહીદોના પરિવારજનોને નોકરી આપવાની માંગ કરી છે.
બેઠકમાં થયેલ ચર્ચાઓના મુદ્દાઓ:
(૧) રાજ્ય સરકારે જે બિન અનામત વર્ગ માટે જે યોજનાઓ જાહેર કરી છે તેમાં આવક અને સહાયના ધોરણો અન્ય પછાત જાતિઓના બોર્ડ/નિગમમાં કરેલ જોગવાઈઓ સમકક્ષ કરવા જોઈએ.
(૨) રાજ્ય સરકારશ્રીની ભરતીમાં અન્ય પછાત જાતિના વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં તેમજ અનુભવના ધોરણોમાં જે છૂટછાટ આપવામાં આવે છે તે જ ધોરણો બિનઅનામત વર્ગ માટે હોવા જોઈએ.
(૩) શૈક્ષણિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના ધારા-ધોરણ મુજબ અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારીની કટ ઓફ અને બિનઅનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારીની કટઓફ વચ્ચે આવતા તમામ બિનઅનામત વર્ગનાં વિદ્યાર્થીઓની
(૪) રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશનમાં અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાતમાં જે છૂટછાટ આપેલ છે તે મુજબની છૂટછાટ બિનઅનામત વર્ગને લાગુ પડવી જોઈએ.
(૫) સરકારશ્રીના સમરસતા છાત્રાલયોમાં પ૦% જગ્યાઓ માટેનો પ્રવેશ બિન અનામત વર્ગને વહેલા તે પહેલાના ધોરણે આપવો જાેઈએ અથવા બિન અનામત વર્ગ માટે સંપૂર્ણ સગવડો સહિતની નવી સમરસતા છાત્રાલયો દરેક શહેરોમાં બનવી જોઈએ.
(૬) હાલમાં કન્યા કેળવણીનો લાભ માત્ર મેડિકલ તથા પેરામેડીક્લ અભ્યાસક્રમમાં ચોક્કસ શાખામાં આપવામાં આવે છે તે લાભ પેરામેડીક્લની તમામ શાખાઓમાં પણ મળવો જોઈએ.
(૭) બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટેની સહાયના માપદંડ સરકારશ્રીના અન્ય બોર્ડ/નિગમની જાેગવાઈઓ મુજબ હોવા જોઈએ.
(૮) વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ એક જ પરિવારના એકથી વધુ સભ્યોને મળવો જોઈએ. કારણ કે એક જ પરિવારમાં બે બાળકો વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં.
(૯) બિન અનામત નિગમ વિદેશ અભ્યાસ માટે જે લોન આપે છે તેમાં ધોરણ-૧ર કે સ્નાતક
બંનેને લક્ષમાં લઈ જેમાં ગુણ વધારે હોય તે ધ્યાને લઈ લોન મંજૂર કરવી જોઈએ.
(૧૦) ગુજરાત બિન અનામતની શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્વરોજગાર લોનની
રકમની લઘુત્તમ મર્યાદા ૧૦ લાખની હોવી જોઈએ.
(૧૧) સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે વિદેશ અભ્યાસ લોન અને કોર્મશિયલ પાયલોટની તાલીમ માટેની લોનમાં જે આવક મર્યાદા નિયત કરેલ છે તે જ આવક મર્યાદા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે હોવી જોઈએ.
(૧ર) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હસ્તક બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે જે યોજનાઓ અમલમાં હોય તે પ્રકારની યોજનાઓ બિન અનામત વર્ગના લોકો માટે હોવી જોઈએ.
(૧૩) સ્પર્ધાત્મક પરીક્ષામાં કટ ઓફ માર્કસની થિયરી દરેક જાતિમાં એકસમાન હોવી જાેઈએ, જેમાં કોઈ ભેદભાવ રાખી શકાય નહીં.
(૧૪) સરકારશ્રી દ્વારા જે કોઈ ભરતી પરીક્ષાઓ લેવામાં આવે તેનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં રાખવા રજૂઆત છે.
(૧પ) કોચિંગ કલાસીસ માટે આપવામાં આવતી સહાયની રકમ જી.એસ.ટી. સિવાય ઓછામાં ઓછી ૩૦ હજાર હોવી જાેઈએ અને તે પ્રાયવેટ કલાસીસ માટે પણ લાગુ પડવી જોઈએ.
(૧૬) સરકારી સેવાની ભરતી માટે તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જે ધોરણો એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વિગેરે માટે નિયત કરવામાં આવેલ છે તે પ્રકારના ધોરણો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ અમલી કરવા જોઈએ.
(૧૭) બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર મેળવવામાં અનેક મુશ્કેલીઓ પડે છે, જે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ના વિદ્યાર્થીઓને પડતી નથી, જે એકસમાન હોવી જોઈએ.
(૧૮) સરકાર દ્વારા ચાલતી સૈનિક સ્કૂલોમાં બિન અનામત વર્ગ માટે અનામતની જાેગવાઈ રાખવામાં આવેલ નથી, જે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. માં અનામતની જે જાેગવાઈ છે તે મુજબ હોવી જોઈએ.
(૧૯) બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ધોરણ-૯ થી ૧ર સુધી ભોજન બીલની સહાય ચૂકવવામાં આવે છે તે વધારીને સ્નાતક તેમજ અનુસ્નાતકના વિદ્યાર્થીઓ સુધી કરવી જોઈએ.
(ર૦) કેન્દ્રીય લેવલે બિન અનામત આર્થિક વિકાસની રચના કરવા અસરકારક રજૂઆત કરવામાં આવે.
(ર૧) બિન અનામત નિગમ દ્વારા મૂકાયેલ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન લઈ શકે તે માટે અરજીઓ સ્વીકારવાનું પોર્ટલ આખા વર્ષ દરમિયાન ઓપન રાખવું જોઈએ.
(રર) મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન અંતર્ગત વિદ્યાર્થીઓને મળતા લાભ ઉપરાંત બિન અનામત નિગમની શૈક્ષણિક અભ્યાસ લોન યોજનાઓનો લાભ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને મળવો જોઈએ.
(ર૩) બિન અનામત આયોગનું વહીવટી માળખું તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ હોવું જોઈએ.
(ર૪) બિન અનામત આયોગને અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાએ થતી મેનેજરની નિમણૂંક બિન અનામત વર્ગના અધિકારીઓમાંથી જ થવી જોઈએ.
(રપ) બિન અનામત આયોગ અને નિગમ શિક્ષણ વિભાગ હસ્તક હોવું જાેઈએ, કે જેથી આયોગ અને નિગમની જે તે યોજનાઓનો અસરકારક અમલ થઈ શકે.