ફરીએકવાર રાજ્યના રેસિડેન્ટ તબીબો આંદોલનના માર્ગે
બોન્ડની માંગને લઇ કામકાજથી રહેશે દૂર
સરકારને 24 કલાક નું આપ્યું અલ્ટીમેટ
રાજ્યની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે. બોન્ડની માંગને લઇને રેસિડેન્ટ તબીબો દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જેના લીધે કોવિડ અને ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. જો રેસિડેન્ટ તબીબોની માંગને લઇને કોઇ નિર્ણય નહીં આવે તો આવતી કાલથી તબીબો ઇમરજન્સી અને કોવિડ ડ્યૂટીનો પણ બહિષ્કાર કરશે.2019ની બેંચના સિનિયર તબીબો કોવિડ ડ્યુટીને બોન્ડમાં ગણવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. તબીબોએ કોવિડ સમયગાળામાં જે કામગીરી કરી તેને બોન્ડમાં સમાવવાની માંગ કરવામાં આવી રહી છે. 2020માં કોરોના હતો તે સમયે સિનિયર રેસિડેન્ટ તબીબોએ કોવિડમાં સેવા આપી હતી. 2017-18ની બેંચના તબીબોની કોવિડ ડ્યુટીને સરકારે બોન્ડમાં ગણીને રાહત આપી હતી. આ સમયગાળા દરમિયાન 2019ની બેંચના તબીબોએ પણ કોવિડ કામગીરી કરી હતી.
વધુમાં જણાવી દઇએ કે, વર્ષ 2019ની બેંચના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા તેમની 36 મહિનાની રેસીડેન્સીમાંથી સૌથી વધુ 17 મહિના કોવિડની સેવામાં આપી હોવાથી તેઓને પણ બોન્ડ સેવામાં રાહત મળે તેવી માંગ કરી હતી. એ માટે વિવિધ સ્તરે રજૂઆત પણ કરી હતી. પરંતુ કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે રેસિડેન્ટ તબીબોએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. જેથી બુધવારે આજ રોજ સવારના 11 વાગ્યાથી તમામ રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી કામગીરીથી અળગા રહેશે. જેના લીધે સિવિલ હોસ્પિટલમાં OPDમાં સારવાર માટે આવતા દર્દીઓએ હાલાંકીનો સામનો કરવો પડશે. જ્યારે ઈમરજન્સી સેવા યથાવત રહેશે.
જેને લઇ હડતાલ થઇ રહી છે તે આ છે બોન્ડ
તબીબોએ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ બાદ 1 વર્ષ હોસ્પિટલમાં સેવા આપવાની હોય છે
અભ્યાસ બાદ સરકાર ઈચ્છે ત્યાં 1 વર્ષ માટે તબીબોએ ડ્યૂટી કરવાની હોય છે
સિનિયર તબીબોએ કોરોનામાં કામ કર્યું હતું તે સમયે તેમનો અભ્યાસક્રમ છૂટ્યો હતો
અધૂરો અભ્યાસક્રમ પૂરો થઇ શકે તે માટે સિવિલમાં 1 વર્ષ કામ કરવાની મંજૂરી આપવાની તબીબોની માંગ
અત્યારે અભ્યાસ પૂર્ણ થતા સરકાર 1 વર્ષ માટે સિનિયર તબીબોને અન્ય સ્થળે ડ્યૂટી આપી રહી છે
આ સિનિયર તબીબોએ 2019 અને 2020ની બેંચમાં કોરોના ડ્યૂટી કરી હતી
ડોક્ટરોની માંગ છે કે બોન્ડને સિનિયર રેસિડન્ટ ડોક્ટરોમાં ગણવામાં આવે