છત્તીસગઢમાં ચાલ્યું દેશનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન
ચંપા જિલ્લામાં રાહુલ નામનો બાળક 106 કલાકથી ફસાયો હતો બોરમાં
આર્મીના જવાનોએ હાથેથી માટી ખોદી અને કોણી પર ચાલી કર્યું રેસ્ક્યુ
છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં બોરવેલમાં ફસાયેલા રાહુલને 106 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન પછી મંગળવારે મોડીરાતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. રેસ્ક્યુ પછી તેને તરત જ બિલાસપુરની એપોલો હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. રાહુલ શુક્રવારે લગભગ 2 વાગ્યે 60 ફુટ ઉંડા બોરવેલમાં પડ્યો હતો. પ્રશાસન, SDRF, NDRF અને સેનાએ આ ઓપરેશનને રોકાયા વગર અને થાંક્યા વગર પાર પાડ્યું હતું. આ દરમિયાન તેમણે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ ઓપરેશનને દેશનું સૌથી મોટુ રેસ્ક્યુ ઓપરેશન હોવાનું કહેવાઈ રહ્યું છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રેસ્ક્યુ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. તે રાહુલના પરિવારના સંપર્કમાં હતા. મંગળવારે રાતે તેમણે સોશિયિલ મીડિયા પર રેસ્ક્યુ ઓપરેશન સફળ થવા અંગેની માહિતી આપી હતી. CMએ જણાવ્યું હતું કે આ દરમિયાન ખાડામાં એક સાંપ પણ આવી ગયો હતો. જોકે આ ખતરો પણ ટળી ગયો હતો. ઘણા લોકો ઘટના સ્થળે હાજર રહ્યાં હતા. જેવો રાહુલને બહાર કાઢવામાં આવ્યો જવાનોએ ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. લોકોએ રેસ્ક્યુ ટીમ માટે તાળીઓ પણ વગાડી હતી અને ફટાકડા પણ ફોડ્યાં હતા. લોકોએ SDRF, NDRF અને સેનાના જવાનોને તેડીને ખુશ વ્યક્ત કરી હતી.પાંચ દિવસથી રાહુલની વોચ સ્પેશિયલ કેમેરાથી રાખવામાં આવી રહી હતી. તેને પાણી અને ભોજન પણ આપવામાં આવ્યું હતું. તેને હિંમ્મત મળી રહે તે હેતુથી તેની સાથે વાત પણ કરવામાં આવતી હતી.
પાંચ દિવસ સુધી 60 ફુટ નીચે દબાયેલા રહેવાના કારણે અને ખાડામાં પાણી ભરાયેલું હોવાના કારણે તેના શરીરમાં નબળાઈ છે.સેનાના જવાનોએ રેસ્ક્યુની કમાન પોતાના હાથમાં લઈ લીધી હતી. તે ટનલ દ્વારા પહેલા બોરવેલ અને પછી રાહુલ સુધી પહોંચ્યા હતા. બાળક અંદર હોવાના કારણે પથ્થરનું ડ્રિલિંગ મશીનથી નહિ પરંતુ હાથથી કરવામાં આવ્યું હતું. બાદમાં અંદરથી માટીને પણ હટાવવામાં આવી હતી. આમ કરતા-કરતા જવાનો રાહુલ સુધી પહોંચી ગયા હતા. તે પછીથી દોરડાથી ખેંચીને રાહુલને બહાર કાઢવામાં આવ્યો હતો. તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને પહેલેથી જ એમ્બ્યુલન્સ, ડોક્ટરની ટીમ અને મેડીકલ ઈક્વિપમેન્ટ્સ તૈયાર હતા. ટનલથી એમ્બ્યુલન્સ સુધી કોરિડોર બનાવવામાં આવ્યો હતો. રાહુલને સ્ટ્રેચર દ્વાર સીધો જ એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યો હતો.