રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
રાજકોટ શહેર અને પડધરી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
24 કલાકના વિરામ બાદ ફરી મેઘમહેર થઇ
રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન બન્યા છે. સમગ્ર જિલ્લામાં સવારથી બપોર સુધી અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. બાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગરમીમાંથી રાહત મેળવવા ભૂલકાંઓ ઘરમાંથી બહાર નીકળી વરસાદમાં ન્હાવાની મજા માણી રહ્યા છે. જ્યારે પડધરી પંથકમાં આજે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણી પાણી થયા છે. પડધરીનાં જીવાપર, વિભાણીયા, ખાખરા અને હડમતીયા ગામમાં વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે.
આવતીકાલે ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરશે.રાજકોટમાં 24 કલાકના વિરામ બાદ ફરી મેઘમહેર થઈ છે. ગઇકાલે પણ બપોર બાદ વરસાદ વરસ્યો હતો. આજે શહેરના 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, બજરંગવાડી, શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.વરસાદથી રાજકોટવાસીઓને ઠંડક મળતા ગરમીમાંથી રાહત મળી છે. તેમજ વરસાદ બાદ વાદળછાંયા વાતાવરણની વચ્ચે ઠંડો પવન પણ ફૂંકાઇ રહ્યો છે.રાજકોટના 150 ફૂટ રિંગ પર ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને રસ્તાઓ પર પાણી ભરાયેલા નજરે પડે છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે.
પરંતુ સવારથી બપોર સુધી અસહ્ય તડકો અને બફારાનો પણ લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે બપોર બાદ વરસાદી ઝાપટું વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દે છે.ગઇકાલે ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દિવસભરના અસહ્ય બફારા બાદ સાંજે હવામાન પલટાયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલનાના સુલતાનપુર, વીંજીવડ, નાના-મોટા સખપરમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે દેરડીકુંભાજીમાં ગાજવીજ સાથે ધોધમાર અને ગોંડલ શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. સારા વરસાદથી ગોંડલના ગામડાઓમાં નદી-નાળા બે કાંઠે વહ્યા હતા.