સાળંગપુરના કષ્ટભંજન દાદાનો આજે પોલીસના બેનરોથી ભવ્ય શણગાર કરાયો
દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
ભીમ અગિયારસના પાવન દિન નિમિત્તે દાદાનો વિશેષ શણગાર
બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી ના મંદિરમાં આજે ભીમ અગિયારસ અને શનિવાર નિમિત્તે દાદાને ભવ્ય શણગાર કરાયો છે. દાદાના સિંહાસનનો વિવિધ ફૂલથી તિરંગાનો શણગાર કરવામાં આવ્યો છે. સાથે પોલીસના બેનરોએ પણ દાદાના શણગારની શોભા વધારી છે. ગુજરાત પાલીસ અને બોટાદ પોલીસના બેનર લગાવવામાં આવ્યા છે. આજના પવિત્ર ભીમ અગિયારસના દિન નિમિત્તે કષ્ટભંજન દેવને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આજે ભીમ અગિયારસ હોવાથી દાદાના દરબારમાં સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જામી છે. ભક્તોએ પણ દાદાના દર્શન માત્રથી ધન્યતાની લાગણી અનુભવી છે.તમને જણાવી દઇએ કે, જયેષ્ઠ મહિનાની સુદ તિથિએ આવતી એકાદશીને નિર્જળા એકાદશી તરીકે હિંદુ ધર્મમાં ઉજવવામાં આવે છે. ત્યારે આજ રોજ નિર્જળા એકાદશીની ઉજવણી કરવામાં આવશે. આ એકાદશીનું વ્રત ભીમે પણ કરેલું હોવાના કારણે આ એકાદશીને ‘ભીમ અગિયારસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એવું કહેવાય છે કે, હિન્દુ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ, આજના દિવસે કોઈ પણ ભક્ત અન્ન અને પાણીનો ત્યાગ કરીને જો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેને 24 એકાદશીથી જે પુણ્ય મળે તેટલું પુણ્ય નિર્જળા એકાદશીથી મળે છે આવી હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ આજે નિર્જળા એકાદશીનો તહેવાર ઉજવવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત માતા કુંતા દ્વારા સમજાવવામાં આવતા 5 પાંડવો પૈકી ભીમે પણ કરેલું હતું. જેના કારણે નિર્જળા એકાદશીને ‘ભીમ અગિયારસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે.