ભૂકંપના કાટમાળ નીચે ફસાયેલા લોકોનું લોકેશન ટ્રેક કરશે
રેસ્ક્યુ ટીમને વીડિયો પણ મોકલશે
ઉંદરોનું નામ ‘હીરો રેટ્સ’ રાખવામાં આવ્યું
ભયાનક ભૂંકપ આવે છે ત્યારે કાટમાળ નીચે દટાયેલા લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફસાયેલાની મદદ કરવા માટે આફ્રિકાના વૈજ્ઞાનિકો અને અપોપો નામનાં એક NGOએ ઉંદરોને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે. પોતાની પીઠ પર બેગ લટકાવેલા આ ઉંદરો રેસ્ક્યુ ટીમની મદદ કરીને જોખમમાં ફસાયેલા લોકોનો જીવ બચાવી શકશે.આ રિસર્ચને લીડ કરી રહેલી ડૉ. ડોના કીનનું કહેવું છે કે, અત્યાર સુધી 7 ઉંદરોને આ પ્રોજેક્ટ માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. માત્ર 2 અઠવાડિયામાં જ તેમણે બધું ઝડપથી શીખી લીધું છે. અપોપોની વેબસાઈટ અનુસાર, આ ઉંદરો આફ્રિકામાં મળતા પાઉચ્ડ રેટ્સની પ્રજાતિના છે. તેમનું નામ ‘હીરો રેટ્સ’ રાખવામાં આવ્યું છે.ડૉ. કીનનાં અનુસાર, ઉંદરોની બેગમાં માઈક્રોફોન વીડિયો ડિવાઈસ અને લોકેશન ટ્રેકર રાખવામાં આવ્યું છે. તેના દ્વારા રેસ્ક્યુ ટીમ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી શકશે, તેમની સાથે વાતચીત કરી તેમની પરિસ્થિતિ જાણી શકશે.
અત્યારે ઉંદરોને નકલી કાટમાળમાં આ વસ્તુની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેમને તુર્કી જવાની તક મળશે, કેમ કે ત્યાં અવારનવાર ભૂંકપ આવતો રહે છે.ડૉ. કીનનું કહેવું છે કે ઉંદરોનું નામ ખોટી રીતે ખરાબ કરવામાં આવ્યું છે. લોકો તેમને ગંદકી ફેલાવતું પ્રાણી સમજે છે, પરંતુ ઉંદરો ઘણા સ્માર્ટ હોય છે. તેઓ ફટાફટ નવી સ્કિલ્સ શીખી આપણને આશ્ચર્યચકિત કરી શકે છે. અત્યારે હીરો રેટ્સ ભૂંકપ જ નહીં, પરંતુ ટીબી અને બ્રુસિલોસિસ નામની બીમારીને પણ સૂંઘીને શોધવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે. કુલ 170 ઉંદર આ તમામ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે.મળતી માહિતી પ્રમાણે, આ પ્રોજેક્ટ માટે ઉંદરોને એટલા માટે પસંદ કરવામાં આવ્યા કેમ કે તેમણે ટ્રેનિંગ આપવી સરળ હોય છે. સાથે જ તેમની સૂંઘવાની ક્ષમતા વધારે હોય છે. ઉંદરો સરેરાશ 6થી 8 વર્ષ જીવે છે અને તેમનો ખોરાક પણ સસ્તો હોય છે. તેઓ નાનાંમાં નાની જગ્યામાં સરળતાથી ઘૂસી જાય છે અને મોટાભાગની બીમારીઓથી બચાવવામાં સફળ થાય છે.