2016 બાદની તમામ પરીક્ષામાં પેપર ફોડવામાં આવ્યાં: યુવરાજસિંહ
5 લાખથી લઇને 15 લાખ રૂપિયામાં સેટિંગ કરવામાં આવતું: યુવરાજસિંહ
યુવરાજસિંહે પેપર ફૂટવાના પુરાવા કર્યા રજૂ
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પેપર લીક કરવા માટે જ લેવામાં આવતી હોય તેમ એક બાદ એક પરિક્ષાના પેપર ફૂટી રહ્યા છે. જેનો યુવરાજ સિંહ જાડેજા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે ફરીવાર યુવરાજસિંહ જાડેજાએ હેડ ક્લાર્કની પરીક્ષાને લઇને દાવો કર્યો છે કે, ‘2016 બાદની તમામ પરીક્ષામાં પેપર ફોડવામાં આવ્યાં. રૂપિયા 5 લાખથી લઇને 15 લાખ રૂપિયામાં સેટિંગ કરવામાં આવતું. હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફોડનારા આરોપીઓને પકડવાના હજુ બાકી છે. જવાબદાર અધિકારીઓ અને પોલીસ તંત્રને આ મામલે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યાં છે. તેમજ ATDOમાં પણ જે વ્યક્તિ OMR કોરી રાખીને આવ્યા હતાં, ધવલભાઇ પરીખ તે બાબતે પણ CMOમાં જાણ કરવામાં આવી હતી છતાં આ વ્યક્તિને લઇને કોઇ પણ પ્રકારની તપાસ નથી કરવામાં આવી.’આ સાથેજ વધુમાં તેમણે કહ્યું હતું કે કે, ‘પેપર ફોડનારા લોકો સામાન્ય નથી, વગ ધરાવે છે, આજે એમની પોલ ખોલી રહ્યો છું ત્યારે મારી જાનને પણ ખતરો છે.’
પેપર લીક મામલે વધુમાં તેમણે કહ્યું હતું કે, ’12/12/2021ના રોજ લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાના અમુક લોકોને હજુ પણ પકડવાના બાકી છે. પ્રાંતિજની જેમ પાલિતાણામાં પણ 22 ઉમેદવારોને પેપરની કોપી અપાઈ હતી. પાલિતાણાના જૈન દેરાસરમાં 22 ઉમેદવારોને રાખવામાં આવ્યા હતાં. ધોળકામાં પણ કેટલાંક લોકોએ એકત્રિત થઈને પેપર ફોડયું હતું. પ્રાંતિજના મુખ્ય આરોપી દાનાભાઈ ડાંગર છે અને તેમના જ સગાભાઈ ઘનશ્યામ ડાંગર પણ હાલ રેકેટ ચલાવે છે.’થોડા સમય પહેલા યોજાયેલ સબ ઓડિટરની પરીક્ષાનું પણ પેપર જાહેર કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા છે. યુવરાજ સિંહે આ બાબતે જણાવ્યુ હતું કે, ‘સબ ઓડિટરની પરીક્ષામાં પણ 72 ઉમેદવારોને પેપર આપવામાં આવ્યા હતાં. પેપર આપવા માટે જે ગાડી વપરાય એના પણ ફોટો જાહેર કરાયા. 10 ઓક્ટોબરે પરીક્ષા હતી ત્યારે 3 કલાક પહેલાં પેપર વોટ્સઅપ કરવામાં આવ્યું હતું.’ ઓડિટરની પરીક્ષાનું પેપર પણ ફોડવામાં આવ્યું હોવાના યુવરાજસિંહે આક્ષેપ લગાવ્યા હતાં. એ સિવાય જામનગર મનપાનું પેપર પણ 11 લોકોને આપવામાં આવ્યું હતું. જેએમસીનું પેપર ચોટીલામાં ફોડવામાં આવ્યું હતું.