નડિયાદના બે સેવાભાવી ભાઈ નિરાધાર લોકોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન આપે છે
મધ્યમવર્ગને માત્ર 50 રૂપિયામા ભરપેટ થાળી
અંદાજિત ચારસો જેટલા નિરાધાર લોકોને ઘેરબેઠાં નિ:શુલ્ક ટિફિનસેવા આપે છે
ખેડા જિલ્લાના વસો તાલુકા મથકે ચાલતી વિસામો ટિફિનસેવા અનેક નિઃસહાય વૃદ્ધ વડીલો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. વસો તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં અંદાજિત ચારસો જેટલા નિરાધાર લોકોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન બે ટાઈમ પહોંચાડવામાં આવે છે. આ સંસ્થા મધ્યમવર્ગને ફક્ત 50 રૂપિયામા ભરપેટ થાળી પીરસે છે.નડિયાદથી થોડે દૂર આવેલા વસોમાં રહેતા અને સેવાનું ધ્યેય માની સેવાના રસ્તે ચાલેલા સ્વ.મનુભાઈ જગજીવનદાસ પંચાલના પુત્ર રાકેશ અને મિતેશ બન્ને પિતાએ બતાવેલા રસ્તા પર ચાલી સેવામાં ધૂણી ધખાવી રહ્યા છે
‘વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ’ વસો ખાતે ઊભું કરી વસો અને આસપાસના વિસ્તારોમાં નિ:સહાય વૃદ્ધો માટે દીકરાની ગરજ સારે છે. આ સેવાનો તાંતણો હવે નડિયાદ સુધી લંબાયો છે. આ સંસ્થા મધ્યમવર્ગને ફક્ત 50 રૂપિયામાં ભરપેટ થાળી પીરસે છે, જેનો લાભ નડિયાદ સહિત જિલ્લાવાસીઓ અને યુવા લોકો લઈ રહ્યા છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સેવાની સાથે સાથે રોજગારી લોકો મેળવી શકે.વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની જો વાત કરવામાં આવે તો આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચાલતી વિસામો ટિફિનસેવાની સાથે સાથે વિવિધ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે, જેમાંની એક આમજનતાને ધ્યાનમાં રાખીને સુહાસિની ખાસ મધ્યમવર્ગને પરવડે એવી સેવા અનેક લોકોને ઉપયોગી સાબિત થઈ રહી છે.
સુહાસિની સેવા હેઠળ વસો સહિત નડિયાદ શહેરમાં વિવિધ ઠેકાણે પિકઅપ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં માત્ર 50 રૂપિયામાં બપોર અને સાંજે ગુજરાતી થાળી આપવામાં આવી રહી છે.શહેરી વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ ટ્રસ્ટ મારફત સુહાસિની સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં માત્ર 50 રૂપિયામાં ભરપેટ જમવાનું આપવામાં આવે છે, જેમાં દાળ, ભાત, શાક રોટલી સહિતની આ થાળી વર્તમાને નડિયાદમાં ઘણા લોકોને પસંદ આવી રહી છે. આના ત્રણ પિકઅપ પોઈન્ટ છે અને એક ડાઈનિંગ છે. આગામી દિવસોમાં વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ મારફત પ્રભુજીનું ઘર શરૂ થવાનું છે, જેમાં રોડ પર રહેતા નિઃસહાય લોકોને ઘર જેવું વાતાવરણ અને સુવિધા મળે રહે એ મુજબની નાહવા, ખાવા અને ઉપચારની વ્યવસ્થા હશે. નિરાધારનો આધાર એટલે પ્રભુજીનું ઘર. આ સૂત્ર સાથે આ સેવાકીય પ્રવૃત્તિ થશે.