25 વિદ્યાર્થીઑએ ધોરણ 10 બોર્ડની એક્ઝામ આપી પણ તમામ ફેલ
51 વર્ષ જૂની શાળાના “0” પરિણામથી અનેક સવાલો થયા ઊભા
શાળાના શિક્ષકોની કામગીરી પણ સવાલો
કોરોના મહામારીની અસર દરેક ક્ષેત્રમાં થઈ છે. ત્યારે કોરોનાની અસર ભણતર પણ થઈ છે તે સાબિત ધોરણ 10ના પરિણામે કર્યું છે, ગતરોજ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે કુલ 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઑએ પરીક્ષા આપી હતી. જેમાં 34% વિદ્યાર્થીઑ નાપાસ થયા છે.ત્યારે ગુજરાતની એક એવી શાળા છે જ્યાં શૂન્ય ટકા પરિણામ આવ્યું છે. શાળાના શિક્ષણ સામે સવાલ ઉઠાવતો કિસ્સો આણંદના ઉમરેઠની સ્વામી માયાતીતાનંદ શાળામાં બન્યો છે, આ આ શાળામાં શૂન્ય પરિણામ આવ્યું છે. શાળાના 25 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરંતુ 25માંથી એકપણ વિદ્યાર્થી પાસ ન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ વર્ષના પરિણામે ઉમરેઠની 51 વર્ષ જૂની ગ્રાન્ટેડ શાળામાં કેવું ભણતર અપાય છે તેની પોલ ખૂલી છે. ત્યારે સ્કૂલના શિક્ષકોની કામગીરી પર પણ સવાલ ઊઠી રહ્યા છે.ત્યારે બીજી તરફ અનેક શાળાઑ અને વિદ્યાર્થીઓએ બાજી મારી છે. રાજકોટ જિલ્લામાં પણ 72.86 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રદ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું હતું. અહીં A1 ગ્રેડમાં 1561 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. તો વડોદરામાં પણ 61.21 ટકા પરિણામ આવ્યું હતું. અહીં 478 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો હતો. પરીક્ષામાં સારું પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ગરબા રમીને વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. હાલ તો ધોરણ 10નું પરિણામ આવી ગયું છે. સાથે જ હવે વિદ્યાર્થીઓએ આગળ કઈ ફેકલ્ટીમાં પ્રવેશ લેવો અને ભવિષ્યમાં શું કરવું તે વિચારવાનો સમય આવી ગયો છે.