ચાલવા અને લખવામાં અસમર્થ વિદ્યાર્થીને ધો.12માં 99.97 PR
કલેક્ટર બની દિવ્યાંગોની સેવા કરવી છે
સ્મિતને ધો.10માં પણ 98.5 PR આવ્યા હતા
ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા સ્મિત ચાંગેલા બાળપણથી જ ન્યૂરોપેથી રોગથી પીડાઇ છે. તે ચાલવામાં અને લખવામાં અસમર્થ છે. છતાં શારીરિક રીતે સશક્ત વિદ્યાર્થીઓને માત આપી છે. તેમણે આજે 99.97 PR સાથે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. આ પરિણામથી પરિવારમાં ખુશીનો કોઈ પાર નથી. સ્મિત ચાંગેલાએ પોતાને IAS ઓફિસર બની પોતાની જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવાનું સપનું હોવાનું જણાવ્યું હતું.
સ્મિત ચાંગેલાએ વધુમાં જણાવ્યું હતું કે, મારે 700માંથી 662 માર્ક આવ્યા છે. એટલે કે 95 ટકા અને 99.97 PR થાય છે. આ પરિણામથી હું ખૂબ જ ખુશ છું. આ ખુશી મારા માતા-પિતાને લીધે મળી છે. તેમના સપોર્ટથી જ આગળ આવ્યો છું. મેં ધો.12 કોમર્સનો અભ્યાસ ધોળકિયા સ્કૂલમાં કર્યો છે અને અહીં મારૂ ડેવલોપ થતા આ પરિણામ આવ્યું છે.
આગળ મારે GPSC અને UPSC પરીક્ષા આપી IAS ઓફિસર બનવું છે અને મારા જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવી છે. મારે અત્યારે ન્યૂરોપેથી નામની બિમારી છે, આ પરિસ્થિતિમાં હું ચાલી કે લખી શકતો નથી. પરીક્ષામાં મેં રાઇટર રાખ્યો હતો. તેણે પણ મને ખૂબ મદદ કરી છે. કોરોનામાં મેં ઓનલાઈન બિઝનેસ ચાલુ કર્યો હતો જેમાં પણ હું સફળ રહ્યો છું
સ્મિત ચાંગેલા નાનપણથી જ ન્યૂરોપેથી નામના રોગથી પીડાય છે, પરંતુ પોતાને બીજાના ઓશિયાળા હેઠળ જીવવું પસંદ ન હોય અને મનમાં તેણે એક નિર્ધાર કર્યો કે આત્મનિર્ભર બનવું છે. બસ, આ જ નિર્ધારથી તેણે કોરોનાકાળમાં ઓનલાઇન પ્રોડક્ટ સેલિંગ બિઝનેસ શરૂ કર્યો. નાકના ટેરવાથી ટાઇપિંગ કરી ઓર્ડર મેળવતો ગયો અને ડિલિવરી પણ કરવા લાગ્યો. તેણે 5 મહિનામાં 30 હજારની કમાણી કરી છે. સ્મિતને ધો.10માં પણ 98.5 PR આવ્યા હતા.
વિકલાંગોની કેટેગરીમાં તે ગુજરાત ફર્સ્ટ આવ્યો હતો. સ્મિતે જણાવ્યું હતું કે, હું અન્ય નોર્મલ બાળકોની જેમ હરી-ફરી શકતો નથી, પરંતુ હું મારી જાતને હતાશ થવા દેતો નથી તેમજ પરિવારના સભ્યો અને મિત્રવર્તુળના પ્રોત્સાહનથી લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો યોગ્ય ઉપયોગકરી એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન પ્રોડક્ટ સેલિંગ બિઝનેસ શરૂ કર્યો છે.
લોકડાઉનમાં ઘરે બેઠા સ્મિતને ઓનલાઇન બિઝનેસ કરવાનો વિચાર આવ્યો હતો. બસ, આ વિચાર તેને તેની માતા સમક્ષ વ્યક્ત કર્યો હતો અને માતાએ પ્રોત્સાહન આપી તેને સાથ આપ્યો હતો. તેની માતાનું માનવું છે કે તેઓ હરહંમેશ તેના દીકરાને બીજાં બાળકોની જેમ જ ટ્રીટ કરી બધાની સાથે રાખે છે. એ માટે તમામ પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવે છે.
સ્મિત 5 મહિનાથી ઓનલાઇન પ્રોડક્ટ સેલિંગ બિઝનેસ ચલાવી રહ્યો છે, જેમાં અંદાજિત 30,000 રૂપિયા જેવી આવક થઇ છે. ઉલ્લેખનીય છે કે સ્મિત પોતે પોતાની જાતે સામાન્ય વ્યક્તિની જેમ ચાલી પણ શકતો નથી. તેના હાથ પણ યોગ્ય કામ કરતા નથી, એમ છતાં આ યુવાન નાકના ટેરવાની મદદથી ટાઇપિંગ કરી લોકોના ઓર્ડર લેવા અને વસ્તુ ડિલિવરી કરવા સહિતના કામ કરી રહ્યો છે, જે અન્ય લોકોને માટે એક પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે.