સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 40નો વધારો
છેલ્લા કેટલાક દિવસોથી સીંગતેલની માંગ વધી
તોતિંગ વધારા સાથે ડબ્બાનો ભાવ રૂ. 2720-2770 પહોચ્યો
ફરી આજે મોંઘવારીનો એક માર સામે આવ્યો છે. જેમાં સૌથી વધુ અસર ગૃહિણીઓને થવા પામી છે. સીંગતેલના ભાવમાં ફરી એકવાર આજે તોતિંગ વધારો થયો છે. તેલબજાર માંગ-પૂરવઠાને બદલે બેફામ સટ્ટાખોરીથી સરકારના નિયંત્રણના દાયરા બહાર ધમધમી રહી છે અને શેરબજારની જેમ રોજ ભાવમાં વધારો થતો રહ્યો છે. સરકારના સ્ટોક લિમિટ સહિતના અનેકવિધ પગલા પછી સતત રૂ।. 2700ને પાર રહેતા સિંગતેલના ભાવમાં આજે એક દિવસમાં જ રૂ।. 40નો તોતિંગ વધારો થતા ડબ્બાના ભાવ રૂ।.2720-2770ના ભાવે પહોંચ્યો હતો.
તેલના ભાવ વધવા અંગે જો વેપારીઓ માટે ચર્ચા કરવામાં આવે તો વેપારી સૂત્રો અનુસાર તેલની સીઝન વખતે તેલના વિક્રેતાઓ વેચવા માટે સ્ટોક કરતા હોય છે પરંતુ, આ સ્ટોક હાલ ખલ્લાસ થયો છે અને બીજી તરફ બે-ત્રણ દિવસથી લોકોમાં માંગ નીકળતા મોકાનો ફાયદો ઉઠાવવા તેલ લોબીએ ભાવ વધારો કર્યો છે. તો મિલરોના સૂત્રો અનુસાર ખાસ કરીને ચીનમાં ભારતના સિંગતેલની માંગ વધી છે અને હાલ તેલની ઓફ સીઝન છે, ઉનાળુ મગફળીથી ખાસ તેલ નીકળતુ નથી તેથી ભાવ વધ્યા છે.
ગત વર્ષ 2020-21માં ગુજરાતમાં આશરે 32 લાખ ટન સહિત દેશમાં 101 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું જે આગલા વર્ષે 99.53 લાખ ટન કરતા પણ વધુ છે. પરંતુ, સરકારે 2017થી ખાદ્યતેલોની નિકાસનો પીળો પરવાનો આપી દીધો છે અને તેનો નફાખોરો છૂટથી લાભ લે છે. ગત એક વર્ષમાં રૂ।. 5381કરોડનું 6.38 લાખ ટન મગફળી વિદેશ ચાલી ગઈ છે.
સિંગતેલની સાથે આજે કપાસિયા તેલ કે જેના ભાવ સપ્તાહથી ઘટતા હતા તેમાં પણ રૂ।. 20નો વધારો થતા ડબ્બાના રૂ।. 2600-2650એ ભાવ પહોંચ્યા છે.ખાદ્યતેલો મોંઘા થતા અને ગેસ, શાકભાજી ,ઘંઉ વગેરેના ભાવ અગાઉથી મોંઘા હોય ગરીબો માટે હવે શાક-રોટલી પણ મોંઘી થઈ છે.