ટાટા મોટર્સની કારનું વેચાણ 3 ગણું વધ્યું
મારુતિની મિની કારનું વેચાણ 17,408 યુનિટ થયું
મારુતિ અલ્ટો અને S-પ્રેસોનું વેચાણ સૌથી વધુ રહ્યું
ઑટોમોબાઈલ કંપનીઓએ આજે મે મહિના માટે વાહનોના વેચાણના આંકડા જાહેર કર્યા છે. કંપનીઓએ વાર્ષિક ધોરણે વેચાયેલા વાહનોના ડેટા જાહેર કર્યા છે. ગયા વર્ષે મે મહિનામાં લોકડાઉનના કારણે વાહનોના વેચાણ પર અસર પડી હતી ત્યારે આ વખતે મોટાભાગની ઑટો કંપનીઓના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સની વાત કરીએ તો આ વર્ષે દર વર્ષના આધાર પર તેના વેચાણમાં 3 ગણો વધારો જોવા મળ્યો છે.
મે મહિનામાં ટાટા મોટર્સના વેચાણમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નવા આંકડા મુજબ મે 2022માં ભારતમાં અને વિદેશી બજારોમાં ટાટા મોટર્સનું વેચાણ 76,210 કારનું રહ્યું હતું, જે મે 2021ના સમયગાળામાં 26,661 યુનિટ હતું. આ સિવાય કંપનીએ મે 2022માં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 43,341 કાર વહેંચી છે. વેચાણમાં 185 ટકાની વૃદ્ધિ સાથે કંપનીએ ગયા વર્ષે આ જ મહિનામાં 15,181 પેસેન્જર કાર વહેંચી હતી.
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ મે મહિનામાં 1,61,413 યૂનિટ્સ કારનું વેચાણ કર્યું હતું. મે 2021માં 46,555 યુનિટ વેચાયા હતા. ગયા મહિને કંપનીનું ઘરેલું વાહન વેચાણ વધીને 1,34,222 યુનિટ થયું છે, જે મે 2021માં 35,293 યુનિટ હતું. કંપનીનું કહેવું છે કે, મે 2021માં લોકડાઉનને કારણે તેનું વેચાણ ઓછું હતું, તેથી મે 2022 સાથે તેની તુલના કરવી યોગ્ય રહેશે નહીં.
ગયા મહિને અલ્ટો અને S-પ્રેસો સાથે મિની કારનું વેચાણ 17,408 યુનિટ હતું. ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 4,760 હતો. સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિઝાયર જેવા મોડેલો સહિત કોમ્પેક્ટ સેગમેન્ટમાં વેચાણ આ વર્ષે મે મહિનામાં 67,947 યુનિટ રહ્યું હતું, એમ કંપનીએ જણાવ્યું હતું.
મે મહિનામાં કિયા કારનું વેચાણ વાર્ષિક ધોરણે 69 ટકા વધીને 18,718 યુનિટ થયું છે. મે 2021માં, કોરોનાની બીજી લહેર વચ્ચે કંપનીએ ડીલર્સને 11,050 યુનિટ મોકલ્યા હતા. 7,899 યુનિટ્સ સાથે કિયા કારના કુલ વેચાણમાં સોનેટનું સૌથી વધુ વેચાણ થયું હતું, ત્યારબાદ સેલ્ટોસ (5,953 યુનિટ), કેરેન્સ (4,612 યુનિટ્સ) અને કાર્નિવલ (239 યુનિટ્સ) વેચાયા હતા.
એમજી મોટર ઈન્ડિયાનું વેચાણ મે 2022માં બમણું થઈને 4,008 યુનિટ થઈ ગયું છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ 2021માં તેનું વેચાણ તે જ મહિનામાં 1016 યુનિટ હતું. એપ્રિલ 2022માં, એમજીએ 2,008 કારનું વેચાણ કર્યું હતું. કંપનીએ કહ્યું કે, સ્થાનિક બજારમાં માગ મજબૂત છે, પરંતુ વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડ -19 સંબંધિત પ્રતિબંધોને કારણે ઉત્પાદન પરની અસર હજી પણ અકબંધ છે.