Ducatiની સાઇકલ માર્કેટમાં એન્ટ્રી
MG20 ઇલેક્ટ્રિક સાઇકલનું અનાવરણ
ઇલેક્ટ્રિક સાઇકલ સિટી રાઇડિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે
સુપર બાઈક નિર્માતા કંપની ડુકાટી હવે દુનિયાની સામે ઈલેક્ટ્રીક સાઈકલ લઈને આવી છે. આ સાઈકલની ખાસ વાત એ છે કે તેને ફોલ્ડ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. ઇલેક્ટ્રિક સાયકલ Ducati MG20 એ ઇટાલિયન બ્રાન્ડની પ્રથમ ફોલ્ડિંગ ઇલેક્ટ્રિક સાઇકલ છે. ટુ-વ્હીલર જાયન્ટ દાવો કરે છે કે આ MG20 ઇલેક્ટ્રિક સાઇકલ સિટી રાઇડિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેની કિંમત $1,663 છે.
આ ઇલેક્ટ્રીક સાયકલ વિશે વાત કરીએ તો, ડુકાટી MG20 ઇલેક્ટ્રિક સાઇકલની ડિઝાઇન આકર્ષક છે અને તે એરોડાયનેમિક જેવી લાગે છે. સાયકલમાં મજબૂત રિમ લગાવવામાં આવ્યા છે. આ ઈલેક્ટ્રિક સાઈકલની બીજી નોંધપાત્ર ડિઝાઈન મોટરસાઈકલ જેવા વ્હીલ્સ છે. કંપનીનો દાવો છે કે તેની ડિઝાઇન અને સામગ્રી તેને ચપળ અને હલકો બનાવે છે, જે તેને હેન્ડલ કરવામાં સરળ બનાવે છે.
Ducati MG20 ને મેગ્નેશિયમ ફ્રેમ, ફોર્કસ અને રિમ્સ મળે છે, જે સાયકલને વજનમાં હળવા બનાવે છે. આ સિવાય હેન્ડલબારમાં વોટરપ્રૂફ LCD પેનલ લગાવવામાં આવી છે, જેનાથી રાઇડર સાઇકલને કંટ્રોલ કરી શકે છે. Ducati દાવો કરે છે કે આગળના એલઇડી લેમ્પ્સ અને વ્હીલ્સ પર રિફ્લેક્ટિવ સ્ટ્રીપ્સ શ્રેષ્ઠ દૃશ્યતા અને સલામતી પ્રદાન કરે છે.બાઈકને 2.125-ઈંચના ક્રોસ-સેક્શન ટાયર સાથે 20-ઇંચ વ્હીલ્સ મળે છે. ડુકાટી દાવો કરે છે કે આ વ્હીલ્સ ફોલ્ડિંગ સિસ્ટમ સાથે આવે છે, જે બહુ ઓછી જગ્યા લે છે.
પાવર માટે, તેને 36C 10.5 Ah 378 Wh સેમસંગ બેટરી પેક મળે છે જે ફ્રેમમાં બનેલ છે. તે સાયકલના પાછળના ભાગમાં હાજર 250W ઈલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલું છે. આ મોટર સવારને પેડલ લગાવવામાં મદદ કરે છે. ડુકાટીનો દાવો છે કે આ બેટરી 50 કિમી સુધી ફુલ-ઇલેક્ટ્રિક મોડમાં સાઇકલને મહત્તમ 25 કિમી પ્રતિ કલાકની ઝડપ આપી શકે છે. ચાર્જ કરવા માટેના બેટરી પેકને દૂર કરી શકાય છે.