India vs Japan Asia Cup 2022
ટીમ ઇન્ડિયાએ જાપાનને હરાવીને જીત્યો બ્રોન્ઝ મેડલ
ભારતે જાપાનને 1-0થી હરાવ્યું
એશિયા કપ 2022માં ભારતીય હૉકી ટીમનો દબદબો જોવા મળ્યો . ભારતે જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. બુધવારે જકાર્તામાં આયોજિત સ્પર્ધામાં ભારતીય ટીમે જાપાનને 1-0થી માત આપી. ભારતની તરફથી એક માત્ર ગોલ રાજકુમાર પાલે મેચના માત્ર 7 મિનિટમાં જ કરી દીધો અને ટીમને જીત અપાવી. હવે ગોલ્ડ મેડલ માટે કોરિયા અને મલેશિયા વચ્ચે રમત રમાશે.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ આગલા વર્ષે થનારા વિશ્વ કપ માટે ક્વોલિફાયર ટુર્નામેન્ટ છે. જોકે ભારતીય ટીમ યજમાન હોવાને કારણે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂકી હતી. લીગ મેચો માટે ભારતને જાપાન, પાકિસ્તાન અને યજમાન ઇન્ડોનેશિયા સાથે પૂલ Aમાં જગ્યા મળી. જ્યારે મલેશિયા, કોરિયા અને ઓમાન અને બાંગ્લાદેશને પૂલ Bમાં રાખવામાં આવ્યું હતું.
ત્યારબાદ ભારત સિવાય સુપર 4 સ્ટેજમાં જાપાન, સાઉથ કોરિયા અને મલેશિયાએ જગ્યા બનાવી. ત્યારબાદ સુપર 4 સ્ટેજની પ્રથમ મેચમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું હતું. ત્યારબાદ તેણે મલેશિયા સાથે 3-3 ડ્રો રમ્યા હતા. તે બાદ સુપર 4 સ્ટેજની ત્રીજી મેચમાં ભારતનો કોરિયા સાથે મુકાબલો થતા 4-4થી ટાઇ થઇ હતી. જેના કારણે ભારતીય ટીમ ફાઇનલ માટે ક્વૉલિફાય કરી શકી ન હતી.
મહત્વનું છે કે ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટ માટે નિયમિત કેપ્ટન મનપ્રીત સિંહ સહિત ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો હતો. પરિણામે બીરેન્દ્ર લાકરાએ ટીમની કપ્તાની સંભાળી, જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન સરદાર સિંહ કોચની ભૂમિકામાં દેખાયા. એશિયા કપની છેલ્લી સિઝન 2017માં રમાઈ હતી, જ્યારે ભારતીય ટીમે મલેશિયાને હરાવીને ત્રીજી વખત ટ્રોફી કબજે કરી હતી. પરંતુ આ વખતે ભારતીય ટીમ ટાઈટલ બચાવી શકી નથી.