ગિરનાર અભયારણ્યમાં મોટી સંખ્યામાં સિંહ, દીપડા સહિત વન્ય પ્રાણીઓનો વસવાટ છે
આઠ સિંહોનું ટોળું આરામ ફરમાવતું કેમરામાં કેદ થયું
લોકોએ નિઃશુલ્ક અદભુત સિંહ દર્શનનો લહાવો લીધો
ગિરનાર અભયારણ્યમાં મોટી સંખ્યામાં સિંહ, દીપડા સહિત વન્ય પ્રાણીઓનો વસવાટ છે. હાલ પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે ગીર જંગલ વિસ્તારમાંથી વહેતાં મોટા ભાગનાં નદી-નાળાં સુકાઈ ગયાં છે, જેને કારણે પાણી માટે સિંહ સહિતનાં વન્યપ્રાણીઓ પાણીવાળા વિસ્તારો તથા માનવ વસાહતો સુધી પહોંચી રહ્યાં છે.
આવી જ રીતે ગઈકાલે સાંજે જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલા વિલિંગ્ડન ડેમ સાઈટ પર એકસાથે આઠ સિંહોનું ટોળું આરામ ફરમાવતું કેમરામાં કેદ થયું છે. સિંહના ટોળાની વાત વાયુવેગે પ્રસરી જતાં શહેરીજનો સિંહોનાં ટોળાંને નિહાળવા ડેમ સાઈટ પર ઊમટી પડ્યાં હતાં.
જૂનાગઢમાં ગિરનાર સેન્ચ્યુરી વિસ્તારમાં 50થી વધુ સિંહોનો કાયમી વસવાટ છે. આ ઉપરાંત દીપડા સહિતનાં નાનાં-મોટાં પ્રાણીઓ અને પક્ષીઓનો પણ વસવાટ છે. આ વન્યજીવો અહીં ગિરનાર અને બાજુમાં આવેલા દાતારના ડુંગરમાં આવેલા જંગલ વિસ્તારમાં વસવાટ કરે છે.
હાલ ચોમાસાનું આગમન થવાનો માહોલ બંધાઈ રહ્યો છે, પરંતુ ચાલુ વર્ષે પડી રહેલી ગરમી અને અસહ્ય તાપ-બફારાને લીધે હાલ જંગલમાંથી પસાર થતાં નદી-નાળાં સહિતના તમામ કુદરતી પાણીના સ્ત્રોતો ખાલીખમ થઈ ગયા છે, જેને કારણે વન્ય જીવો પાણી માટે ભટકતાં જોવા મળે છે.
ગઈકાલે આજે સાંજે એકસાથે 3 બાળસિંહ સહિત 8 સિંહનું ટોળું દાતાર ડુંગર પરથી નીચે આવેલા વિલિંગ્ડન ડેમની સાઈટ પર જોવા મળ્યું હતું. ડેમના કાંઠે ભરેલા ડેમના પાણી પાસે ઠંડક અનુભવતા આ સિંહોએ એકસાથે એક જ સ્થળે મુકામ કરીને આરામ કરી રહેલા જોવા મળ્યા હતા.
આવાં દૃશ્યો ભાગ્યે જ જોવા મળે છે. આ વાત શહેરમાં પ્રસરી જતાં લોકો સિંહોનાં દર્શન માટે ઊમટી પડ્યા હતા. આમ, લોકોએ નિઃશુલ્ક અદભુત સિંહ દર્શનનો લહાવો લીધો હતો. બાદમાં વન વિભાગનો સ્ટાફ સ્થળ પર આવીને સિંહોને ખલેલ ન પહોંચે એવી વ્યવસ્થા જાળવવા ખડેપગે રહ્યો હતો.