પામતેલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં કર્યો ઘટાડો
સોયાબીન તેલ અને સોના-ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં વધારો
ખાદ્યતેલના ભાવ ઘટાડવા સરકારે ફરી પગલું ભર્યું
ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે સરકારે ફરી એકવાર મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પામતેલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં કાપ મૂકવામાં આવ્યો છે, જ્યારે સોયાબીન તેલ અને સોના-ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં વધારો કરવામાં આવ્યો છે.
સરકારે મંગળવારે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં કહ્યું, “ક્રૂડ અને રિફાઇન્ડ પામ ઓઇલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ક્રૂડ સોયા ઓઇલની આયાત કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ પગલાથી નજીકના ભવિષ્યમાં સોયાબીન તેલ મોંઘું થઈ શકે છે, જ્યારે પામ ઓઇલના છૂટક ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.
ગત સપ્તાહે પણ સરકારે વાર્ષિક 20 લાખ ટન સોયા તેલની આયાત પરની ડ્યુટી નાબૂદ કરી હતી. ભારત દર વર્ષે તેના ખાદ્યતેલનો લગભગ 60 ટકા હિસ્સો આયાત કરે છે, જે વિશ્વના અન્ય કોઈ પણ દેશની તુલનામાં વિશ્વમાં સૌથી વધુ છે.
સરકારે પામતેલના આયાત દરમાં ઘટાડો કર્યો છે, ત્યારે ક્રૂડ સોયા ઓઇલનો આયાત દર મોંઘો થયો છે. હવે વેપારીઓએ ક્રૂડ સોયા તેલની આયાતના ટન દીઠ 1,866 ડોલર ચૂકવવા પડશે, જે અગાઉ 1,827 ડોલર હતા. આ ઉપરાંત સોના-ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ પણ વધી છે. સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ હવે 597 ડોલર પ્રતિ 10 ગ્રામ રહેશે, જે અગાઉ 592 ડોલર હતી. એ જ રીતે ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇઝ હવે વધીને 721 ડોલર પ્રતિ કિલો થઇ ગઇ છે, જે અગાઉ 687 ડોલર પ્રતિ કિલો હતી.
ઉલ્લેખનીય છે કે વિદેશમાં આવતા પામતેલી પર ઘણા પ્રકારની ડ્યુટી લાગે છે, સરકારે બે ત્રણ ડ્યુટીમાં ઘટાડો કે ફેરફાર કર્યો હોવાથી ઘરેલુ મોરચે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો આવશે.ઉલ્લેખનીય છે કે સરકારે 24 મે 2022ના દિવસે સનફ્લાવર અને સોયાબિન તેલની ટેક્સમાંથી મુક્તિ આપી હતી જેને કારણે દેશમાં તેલના ભાવમાં ઘટાડો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતમાં લગભગ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો આવવાનું શરુ થયું છે. ઈન્ડોનેશિયાએ 18મે 2022ના દિવસે પામ ઓઈલ નિકાસ પ્રતિબંધ હટાવી લેતા ભારતમાં સસ્તું તેલ આવવા લાગ્યું છે તેને કારણે ઘટાડો થઈ રહ્યો છે જે હજુ ભવિષ્યમાં વધારે ઘટશે.